
મને થાય છે ઈમેઈલના સમયમાં પ્રેમપત્ર લખું. એ બહાને તને મારા ભુલાઈ ગયેલા અક્ષરો તો યાદ આવશે ! અક્ષરો વાંચતા વાંચતા મલકતો તારો ચહેરો મારા સ્મીતને વઘુ મોહક બનાવતો જશે ! વર્ષો પછી પત્ર લખવાને કારણે અક્ષરો નવો કક્કો શીખેલી આંગળીઓની જેમ કાગળ ઉપર અવતરે છે. તને ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરવાનું રોજ સુઝે છે. મને એમાં ‘નૈંી’ મોકલવાનું ગમે છે. એ બહાને આપણી દૂરતા નજીકને શોધવાનો પ્રયત્ન કરે છે. હૂફ આનું જ નામ હશે કદાચ ! આ પત્રમાં તને પહેલીવાર મળ્યા પછીનો થનગનાટ મોકલું છું. મનમાં ચાલતો રઘવાટ મોકલું છું. તને ભગવાનની જગ્યાએ મૂકીને શ્રદ્ધાને ‘અપડેટ’ કરવાનું મન થાય છે ! જેને, તારા વગર સૂરજ ઊગે છે પણ દિવસમાં ચાર્મ નથી હોતો !, રાતો ઊગે છે પણ ચાંદો મારી જોડે વાતો કરવાનું ટાળે છે. મને ફરીથી કોલેજના દિવસોમાં તું લઈ જાય તો હું તૈયાર છું ! ઝાડ ઉપર કોતરેલું તારું નામ ઝાંખુ થયું છે કે એ જ જગ્યાએ નવી કૂંપળ ફૂટી છે એ જોવા માંગુ છું. મને ઈમેલમાં પત્ર મોકલવો ગમશે પણ એમાં ઁઘખ માં મારા અક્ષરોની સાથે સાથે ભુતકાળ મોકલું છું. ઁઘખ ફાઈલ ન ખૂલે તો ગળે બાઝેલા ડૂમાને પાણીથી ઓગળીને ફરીથી ક્લિક કરજે... કદાચ ફેર પડશે !
પ્રેમ થયો છે ત્યારથી આજ સુધી હું મઝામાં છું. કોઈ ફરિયાદ નથી. કોઈ સંવાદ નથી. મૌનની મસ્તીનો મિજાજ છે. હું રમમાણ છું મારામાં... પતંગિયાઓ તારું નામ લઈને ઊડતા હતા ત્યારે ઢોળાઈ ગયેલા રંગોએ નવાં ફૂલો ઊગાડ્યા છે ધરતી પર ! બગીચો બનતા વાર નથી લાગતી એને ઊઘડવા માટે આપણા બંનેના નામની જરૂર પડે છે ! ડોરબેલ વાગ્યો ન હોય અને હું બારણું ખોલું તો તું ફૂલોનો બુકે લઈને સામે ઊભી હોય એવું બને ! હું તો અહીંયા ખોવાયો છું મારામાં અને શોઘુ છું તારી આસપાસ મને ! મારો આ પત્ર તને કવિતા વેડા લાગે એવું સંભવી શકે છે પણ હકીકતમાં એ મારા જીવનમાં ઊજવાનો તારા નામનો ઉત્સવ છે ! જેને તારા વગર નથી રહેવાતું એવું કહું છું અને જીવાઈ જાય છે ! મને તારું સરનામું મળે તો પણ આ કાગળ તારા સુધી નથી પહોંચાડવો, માત્ર ધરતીમાં ધરબી દેવો છે. ઘરના બગીચામાં ઘણા છોડ એ જ રીતે ઊગ્યા છે. એમાં આવતી સુગંધ આપણા સંબંધની ગુફતગુ પતંગિયા અને ચકલીઓ સાથે કરે છે. તું વરસાદ લઈને આવે છે અને મને વરસાદમાં ઊગવાનું ફાવે છે. તું મારી વાતને અવગણે છે. હું તારા મૌનને ગણકારું છું. એન્ટરની સ્વીચ દબાવીને શરૂ થતાં નવી લીટીના વાક્યની જેમ મારા અંતરમાં પૂર્ણવિરામ વગરની એક તારા નામની રટણા ચાલે છે. એમાં રમમાણ મારું ‘હોવું’ સસલા અને કાચબાની જેમ એકબીજાથી છેટું રાખીને રેસમાં રમે છે. જીતવાની રમત હારવાની બાજીથી શરૂ થાય છે. અને ક્યારેક જીતવાના સમયે એને હાથમાંથી છોડી દેવી પડે છે.
તને કાગળ લખવાનો એક માત્ર એજ ઈરાદો કે આજકાલ તું બહુ દૂર રહે છે. નજીક હોવા છતાં તને મળવાનું બનતું નથી ! દુનિયા અને સપના વચ્ચે તારો વિકાસ મારા સહવાસને રૂંઘી રહ્યો છે. તું મળે તો વરસાદને મઝા પડે ! ભીનો પવન ઉકેલતા મને આવડે છે. એનો સ્પર્શ તારા ગાલોની લાલીને વઘુ ચમકદાર કરશે. આ બઘું તારાથી શક્ય છે. તું જીવવાનું જોમ છે. મારું રોમેરોમ છે. પ્રેમની સરનેમ છે તારું નામ... એટલે જ બધા તને પ્રેમ કરે છે. ઉંમર કરતાં ઘણીવાર નાની ઉંમરના થઈને પોતાને જોવાની મઝા આવે છે. તને ખબર છે પંખીઓનો કલરવ સાંભળવાથી કોલેસ્ટોરોલ ઓછું થઈ જાય ! પણ શું કરું તારો ફોન લગાડું છું અને તું વ્યસ્ત હોય છે. તને ખબર છે ચાલવાથી સ્વાસ્થ સારું રહે છે. તું તો રોજ ચાલવા જાય છે. મને ભૂલી જાય છે અને સપનું અઘવચ્ચેથી જ આંખોને જગાડી દે છે ! મને બધી જ ખબર છે એવા ભ્રમમાં હું તો નથી જ. હું તો મને બધી જ ખબર નથી એવા ભ્રમમાં તારી સાથે છું.
આ પત્ર એટલે જ મેં તને લખ્યો છે. તને એટલે કે તારામાં રહેલા મને લખ્યો છે. એને મળવા માટે હું તલપાપડ છું. એ જ રીતે આ પત્ર લખતાં મારામાં સાંભળી જતી ‘તું’ તને એ બહાને તો મળવાનું મન કરે ! ‘તું’ અને ‘હું’ જુદા નથી. એક જ છીએ. હું મને મળવાના પ્રયત્નોમાં મને જ લખું છું. એટલે કે તને જ લખું છું...
સૂફી કવિ રૂમીએ એક કવિતાની પંક્તિઓમાં લખ્યું છે કે પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો... અંદરથી કોઈક બોલ્યું ઃ ‘કોણ છે ?’ જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું ઃ ‘હું છું !’ પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ ! અને દરવાજો બંધ જ રહ્યો ! પ્રેમી જંગલમાં ફરવા નીકળી ગયો. ત્યાં એણે તપ કર્યું, ઉપવાસ કર્યો, પ્રાર્થનાઓ કરી, ઘણાં વર્ષો પછી એ પ્રિયતમાના પ્રશ્ન પૂછ્યો ઃ ‘કોણ છે બહાર ?’ આ વખતે એણે દરવાજા ખોલી નાંખ્યા કારણ કે પ્રેમીનો ઉત્તર હતો ઃ ‘તું જ છે !’
આ પત્ર પણ પેલા પ્રેમી જેવો ભુલો પડીને તપ કરીને આપ્યો છે. જ્યાં હું મને ખોઈને મારી જાતને લખવા માંગું છું. ખોવાયા વગર જડી જવાની પણ એક મઝા હોય છે ! અને એક મઝા હોય છે પત્રને અઘુરો રાખવાની...
ઓન ધ બીટસ્
બે કે ચાર કરોડના પ્રશ્નો નથી હોતા
ઝાકળને બાંધ છોડના પ્રશ્નો નથી હોતા
આકાશ કાગળ હો ને ટહુકાની હો લિપિ-,
ત્યાં કદી મરોડના પ્રશ્નો નથી હોતા !
- સંદીપ ભાટીયા
No comments:
Post a Comment