Saturday, 30 June 2012

કાળ સામે હણહણે તે પ્રેમ છે, પાંગરે અરધી ક્ષણે તે પ્રેમ છે

કાળ સામે હણહણે તે પ્રેમ છે, પાંગરે અરધી ક્ષણે તે પ્રેમ છે

Source: Dr. Sharad Thakar   
કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારું થાય તે પહેલાં ચાલ્યો જતો. સુહાનાના સાસરીપક્ષના ચાર-પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા. ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા, ‘આજ પછી અમારી કુળવધૂના ઘરના આંટાફેરા બંધ કરી દેજે, નહીંતર...

‘અ રે, યાર, કુલદીપ! તું શાદી કર્યું નહીં કર લેતા? ઇતના હેન્ડસમ હૈ ફિર ભી...?’ ઇન્દ્રજિતે એના નવા-સવા મિત્ર બનેલા કાશ્મીરી યુવાનને પૂછ્યું. કુલદીપ મૂળ કાશ્મીરનો, પણ કેન્દ્ર સરકારની નોકરીમાં હોવાથી હાલમાં ગુજરાતમાં એનું પોસ્ટિંગ થયેલું હતું. ઇન્દ્રજિતનું એના કરતાં સાવ જ ઊલટું હતું. એ મૂળ ગુજરાતનો પણ ઇન્ડિયન આર્મીમાં જોડાયો હોવાથી એનું પોસ્ટિંગ કાશ્મીરની સરહદ પર થયેલું હતું.

કુલદીપ પોતાની ટેવ પ્રમાણ જવાબ આપતાં પહેલાં ખૂબ હસ્યો, પછી બોલ્યો, ‘તેરે સવાલ કા જવાબ બાદ મેં આપું છું, એ પહેલાં મારે દો બાત કહેવાની છે. એક તો યે કિ હું છ મહિનાથી ગુજરાતમાં રહેતા હૂં, માટે મારે ગુજરાતીમાં જ બોલના પડે. અને દૂસરી બાત એ કે તુમ તો જનમ સે હી ગુજરાતી છો, તબ હિન્દીમાં બાત કેમ કરે છે?’

આ કુલદીપની ટેવ હતી. કોઇપણ સવાલ એને પૂછવામાં આવે, એની પાસે ‘દો બાત’ કહેવા માટે તૈયાર જ હોય. કદાચ સરહદ પરના કાશ્મીરમાં જન્મ્યો હોવાના કારણે એને દરેક સિક્કાની બે બાજુઓ જોવાની આદત પડી ગઇ હોય એવું પણ હોઇ શકે.

ઇન્દ્રજિતે એની વાત સ્વીકારી લીધી, ‘કાન પકડું છું, યાર! પણ હવે મારા મૂળ સવાલનો જવાબ તો આપ! તું લગ્ન કેમ નથી કરી લેતો? જુવાન છે, હેન્ડસમ છે, આટલે દૂર અમદાવાદમાં એકલો છે, તને પત્ની અને બાળકોની કમી સાલતી નથી?’

‘ઇસમેં ભી મારે દો બાત કહેવાની છે. લગ્ન તો હું કરીશ જ, પણ ઇસકી જલદી નથી. હું કંઇ બુઢ્ઢો નથી થઇ ગયો અને દૂસરી બાત, જ્યારે તારા ઘરે આવું છું ત્યારે આ દોનોં બચ્ચે મને કેટલાં લાડ પ્યારથી વળગી પડે છે? તુમ જુએ છે ને? પછી મને બચ્ચાંઓની કમી કયોં મહેસૂસ થાય?’

ત્યાં જ કિચનમાંથી બે કપ ચા અને ગરમાગરમ સમોસા સાથે ઇન્દ્રજિતની પત્ની સુહાના પ્રગટ થઇ. એ સાથે જ કુલદીપ બોલી પડ્યો, ‘લો, અબ તો વાઇફની જરૂર પણ મહેસૂસ નહીં થાય, ભાભીજી ચાય ઔર નાસ્તા ખિલાતી હોય પછી બીવીનો ખર્ચ શા માટે કરવો?’

બંને મિત્રો પેટ પકડીને હસી પડ્યા, ક્યાંય સુધી હસતા જ રહ્યા. બંનેના ક્વાર્ટર્સ બાજુ-બાજુમાં હતા. દોસ્તી થઇ જવી સહજ હતી. ઇન્દ્રજિત કાયમ તો ઘરે ક્યાંથી હોય? પણ મોરચા પરથી છુટ્ટી લઇને જ્યારે ઘરે આવે ત્યારે દોસ્તીનો દોર જ્યાંથી અટકયો હોય ત્યાંથી ફરી પાછી ચાલુ થઇ જાય. એક-બે અઠવાડિયાની છુટ્ટી ખતમ થઇ જાય અને પાછા બોર્ડર પર પહોંચી જવાનો સમય આવી જાય ત્યારે ઇન્દ્રજિત કુલદીપના ખભા પર હાથ મૂકીને ભલામણ કરે, ‘કુલદીપ, મારી પત્નીનું ધ્યાન રાખજે, દોસ્ત!’ બહુ ઝડપથી શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરવાનું શીખી ગયેલો કુલદીપ જવાબ આપે, ‘આમાં પણ પાછી બે વાત છે. એક, તારી પત્નીનું ધ્યાન હું શા માટે રાખું? પણ બીજી વાત એ છે કે મારી પૂજય ભાભીનું ધ્યાન હું રાખવાનો જ છું ને! ગાંડા, આ બી કંઇ કહેવાની વાત છે?’ પછી બંને મિત્રો એકબીજાને ગર્મજોશથી ભેટી પડે.

ઇન્દ્રજિતની ગેરહાજરીમાં કુલદીપ રોજ એના ઘરની એક વાર તો અવશ્ય મુલાકાત લે જ. મોટાભાગે સાંજના સમયે, પણ કદીયે એ ઘરની અંદર ન જાય. બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ખુરસી નાખીને બેસે. બંને નાનાં બાળકો સાથે રમે. જોકસ સંભળાવે. હોમવર્ક કર્યું કે નહીં એવું પૂછીને ખખડાવે. પછી ચોકલેટ આપીને મનાવી લે. અંધારંુ થાય તે પહેલાં ત્યાંથી ઊઠીને ચાલ્યો જાય. જતાં-જતાં ‘દો બાતે’ અચૂક પૂછી લે, ‘ભાભીજી, બહારનું કંઇ કામ નથી ને? કોઇ બિલો ભરવાના હોય કે કશુંક લાવવાનું હોય તો મને કહી દો! અને બીજી વાત, કોઇ તમને પરેશાન નથી કરતું ને?’
‘ના, ભાઇ! કોઇ પરેશાની નથી.

તમારા જેવો દિયર હોય પછી મને શાની તકલીફ હોય?’ સુહાના ચાનો કપ અને ક્યારેક ભજિયાં તો ક્યારેક બટાકાપૌંઆ પીરસીને પછી કુલદીપને વિદાય કરે. આમાં થયું એવું કે સુહાના-ઇન્દ્રજિતનાં બંને બાળકો કુલદીપચાચુના હેવાયાં થઇ ગયાં. જો કોઇપણ કારણસર કુલદીપ સાંજના સમયે એમને રમાડવા ન જઇ શક્યો હોય તો નીલ અને મેઘના રડારોળ કરી મૂકે. ન હોમવર્ક કરે, ન ખાય-પીએ. રાત્રે એમને ઊંઘાડતાંયે સુહાનાના નાકે દમ આવી જાય. બીજા દિવસે ચાચુ આવે અને બમણી ચોકલેટો આપે ત્યારે બેય ટાબરિયાં રીસ છોડે ને રાજી થાય. છ-આઠ મહિના આમ નીકળી જાય, એટલામાં બોર્ડર પરથી ઇન્દ્રજિત રજાઓમાં પાછો ઘરે આવે. પાછી ‘ઇન્ડોર’ બેઠકો જામવાની ચાલુ થાય. ફરી પાછો ઇન્દ્રજિત એનો એ સવાલ પૂછે, ‘દોસ્ત, લગ્ન કેમ નથી કરી લેતો? આટલો હેન્ડસમ તો છે...’

‘એમાં બે વાત છે...’ કુલદીપ શરૂ કરે અને આખું ઘર હાસ્યના પ્રચંડ વિસ્ફોટથી હલબલિ જાય અને પછી એક દિવસ આખું શહેર ખળભળી ઊઠે એવા સમાચાર આવ્યા: ‘સરહદ પરથી ઘૂસપેઠ કરતાં આતંકવાદીઓ સામેની મૂઠભેડમાં ઇન્ડિયન આર્મીના જાંબાઝ સોલ્જર ઇન્દ્રજિત શહીદ થઇ ગયા છે.’

@@@

મરનારની અંત્યેષ્ટિ અને એ પછીના બે મહિના કેવી રીતે પસાર કર્યા એની જાણ માત્ર સુહાનાને હોઇ શકે. એ જીવતી લાશ બનીને હરતી-ફરતી રહી. સગાંવહાલાં પણ કેટલા દિવસો સાથે રહી શકે? બે મહિનામાં ઘર ખાલી થઇ ગયું. કુલદીપ રોજ સાંજે આવતો બાળકોને રમાડી જતો અને અંધારંુ થાય તે પહેલાં ચાલ્યો જતો. એક દિવસ અમદાવાદમાં જ રહેતા સુહાનાના સાસરીપક્ષના ચાર-પાંચ મજબૂત પુરુષો કુલદીપની ઓફિસમાં પહોંચી ગયા. ધીમા અવાજમાં ખુલ્લી ધમકી આપી ગયા, ‘આજ પછી અમારી કુળવધૂના ઘરના આંટાફેરા બંધ કરી દેજે, નહીંતર...’

કુલદીપ એમ તો ડરે તેવો ન હતો, પણ એ સાંજે ખુદ સુહાનાએ કહી દીધું, ‘આજ પછી તમે અમારે ત્યાં ન આવશો. મારા અને ઇન્દ્રજિતના બંને પરિવારોનો વિરોધ છે.’

‘એ માટે હું બે વાત કરી શકું.’ કુલદીપ એની આદત અનુસાર બોલી ગયો, ‘એક તો બે-ચાર દિવસમાં હું બીજે ક્યાંક રહેવા માટે ચાલ્યો જાઉં. અને બીજું, જેમ બને તેમ જલદીથી હું ટ્રાન્સફર કરાવીને બીજે શિફ્ટ થઇ જાઉં. ઠીક છે. હવે પછી આપણે ક્યારેય નહીં મળીએ.’ કુલદીપે ત્રીજા દિવસે રહેઠાણ બદલી નાખ્યું. નવા ઘરનું સરનામું પણ સુહાનાને ન જણાવ્યું. પણ ત્રણ દિવસ તો માંડ વીત્યા. ચોથા દિવસે ખુદ સુહાના કુલદીપની ઓફિસમાં જઇ ચડી. કુલદીપે આંખો ઢાળી દીધી, ‘હુકમ, ભાભીજી! તમારા ઘરે આવવા સિવાયનું બીજું કંઇ કામ હોય તો હુકમ કરો.’

‘એ જ તો કામ છે. તમારા વગર મને કશો જ ફરક નથી પડતો, પણ પેલાં બે ફૂલડાં મરવા પડ્યાં છે. ત્રણ દી’થી ખાતાં નથી. નીલને તો દવાખાનામાં દાખલ કરવો પડ્યો છે. તમારા વગર બેય છોકરાંવ સોરવાય છે. એક જ જીદ લઇને બેઠાં છે: ચાચુ આવીને ચોકલેટ આપે એ પછી અમે જમીશું. આવો છો ને મારી સાથે?’

‘આવું તો ખરો, ભાભીજી, પણ ક્યા નાતે આવું? તમારો સમાજ વાતો કરશે.’ કુલદીપની આંખો હજુ પણ ઝૂકેલી હતી.

સુહાના રડી પડી, ‘દિયરના નાતે ન આવો તો પતિના નાતે આવો, કુલદીપ! પ્લીઝ, મારા બાળકોના પ્રાણ બચાવી લો!’

પહેલીવાર કુલદીપે ‘ભાભીજી’ ન કહ્યું, નજર ઉઠાવીને કહ્યું, ‘ચાલ, સુહાના! આપણે સીધાં ઘરે જઇએ. પછી મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં. અને પછી મારા ઘરે.’ ચોવીસ કલાકમાં જ બે મોટા જીવ પરણી ગયા, બે નાના જીવ બચી ગયા. સુહાનાના શ્વસુરપક્ષને જાણ થઇ એટલે કોઇએ ફોન કરીને ધમકી આપી જોઇ, પણ હવેનો કુલદીપ જુદો હતો. કહી દીધું, ‘તમે મને મારવા માટે આવી શકો છો, પણ એમાં બે વાત શક્ય છે. કાં તો હું તમારું ડાચું ભાંગી નાખીશ, કાં તમારા હાથ-પગ તોડી નાખીશ.’

આ જવાબ પછી મોરચો તદ્દન શાંત થઇ ગયો. બે વર્ષ સુખેથી પસાર થઇ ગયા પછી એક રાતે સુહાનાએ ઇચ્છા વ્યક્ત કરી, ‘તમને એવું નથી થતું કે મારી કૂખેથી એક બાળક તમારું જન્મે?’

કુલદીપે મોં મચકોડીને જવાબ આપ્યો, ‘એમાં પણ બે વાત છે. એક, હું મારાં બાળકો માટે નહીં, પણ તારાં બાળકો માટે તને પરણ્યો છું. બીજી વાત, નીલ-મેઘના હવે મારાં પણ બાળકો છે જ ને?’‘

(પતિ-પત્ની હોવાના કારણે બંનેએ સંસારસુખ તો ભોગવ્યું જ, પણ ત્રીજું બાળક ન થવા દીધું. મેઘના હાલમાં અમેરિકામાં ભણી રહી છે અને નીલ આર્મીમાં જોડાયો છે. સત્ય ઘટના આવશ્યક ફેરફારો સાથે.) (શીર્ષક પંક્તિ : ભગવતીકુમાર શર્મા)

Doctor Ni Diary

ડૉ. શરદ ઠાકર: તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો

Source: Doctor Ni Diary, Dr Sharad Thakar

                        
    

‘મેં પેપર્સ પર સહી તો કરી આપી, પણ તોયે ડોક્ટરો ઓપરેશન શરૂ કરતા નથી. કહે છે કે પેશન્ટના શરીરમાં હિમોગ્લોબિન ખૂબ ઓછું છે. પહેલાં એક બોટલ લોહીની વ્યવસ્થા કરી લાવો. પછી જ ઓપરેશન થઈ શકશે. ચાલુ ઓપરેશને જો વધુ પડતું લોહી વહી જાય તો દરદીનો જીવ જઈ શકે તેમ છે.’

જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ. રાત્રિના નવ વાગ્યાનો સમય. જનક પંડિત નામના ઓગણીસ વર્ષના મેડિકલ સ્ટુડન્ટના કમરાનાં બારણાં પર કોઈનો હાથ પડવાનો અવાજ ઊઠે છે. સેકન્ડ એમ.બી.બી.એસ.માં ભણતો જનક હાથમાં પકડેલું પેથોલોજી વિષયનું જાડું થોથું બાજુ પર મૂકીને ઊભો થાય છે. બારણું ખોલે છે. સામે એક સંસ્કારી પુરુષ ઊભેલો છે; પણ એ અજાણ્યો લાગે છે. જનક એના ચહેરામાંથી પરિચયનો અણસાર પકડવાનો પ્રયત્ન કરે છે, પણ સફળતા મળતી નથી.

‘કોનું કામ છે?’ જનક બારણામાં જ ઊભો રહીને પૂછે છે.‘જનક પંડિતનું. તમે જ?’ આગંતુક શિષ્ટ ભાષામાં વાત કરે છે. જનક હા પાડે છે. તરત પેલો વાતનો તંતુ આગળ વધારે છે, ‘તમારું બ્લડ ગ્રૂપ ઓ-નેગેટિવ છે?’ જનક એનો જવાબ પણ હકારમાં આપે છે. હવે પેલા પુરુષની આંખોમાં આજીજી અંજાઈ જાય છે. પોતાનાથી ઉંમરમાં પંદરેક વર્ષ નાના એવા આ વિદ્યાર્થીની સામે એના હાથ જોડાઇ જાય છે અને વાણી બની જાય છે વિનંતી, ‘જનકભાઈ, મારી પત્નીને અત્યારે ડિલિવરી માટે ગાયનેક વિભાગમાં દાખલ કરેલી છે. ડોકટોર કહે છે કે એની નોર્મલ ડિલિવરી થવાની કોઈ જ શક્યતા નથી. સિઝેરિયન જ કરવું પડશે.

‘ડોક્ટરો સાચું અને યોગ્ય જ કહેતા હશે. એમનું કહેવું માની જાવ. ઓપરેશન માટે સહી કરી આપો.’ જનક જાણતો હતો કે ગાયનેક વિભાગના ડોક્ટરો કેટલા હોશિયાર અને નિષ્ઠાવાન હતા. આ કોઈ ખાનગી મેટરનિટી હોમ નહોતું. જ્યાં સિઝેરીયન કરવા પાછળનો હેતુ તબીબી કારણો સિવાયનો પણ બીજો કોઈ ધારી શકાય. આ તો દાયકાઓથી સૌરાષ્ટ્રભરમાં મશહૂર મનાતી ઇરવિન હોસ્પિટલ હતી (થોડાંક વર્ષોથી એનું નામ બદલીને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કરી દેવાયું છે).

‘સહી તો કરી આપી, પણ તોયે ડોક્ટરો ઓપરેશન શરૂ કરતા નથી. કહે છે કે પેશન્ટના શરીરમાં હિમોગ્લોબિન ખૂબ ઓછું છે. પહેલાં એક બોટલ લોહીની વ્યવસ્થા કરી લાવો. પછી જ ઓપરેશન થઈ શકશે. ચાલુ ઓપરેશને જો વધુ પડતું લોહી વહી જાય તો દરદીનો જીવ જઈ શકે તેમ છે.’‘તો બ્લડની વ્યવસ્થા કરી નાખો; રાહ કોની જુઓ છો?’ જનકે પૂછ્યું.

‘તમારી.’ પુરુષ સહેજ હસ્યો. પહેલી વાર એની તંગ મુખ-રેખાઓ જરા ઢીલી પડી, ‘મારી પત્નીનું, બ્લડ ગ્રૂપ ‘ઓ-નેગેટિવ’ છે. તમે તો જાણો જ છો કે આ એક ‘રેર’ પ્રકારનું બ્લડ ગ્રૂપ છે. પૂરા જામનગરમાં આવું ગ્રૂપ ધરાવતા માંડ પાંચ-પચાસ માણસો મળી આવે. તકલીફ એ વાતની છે કે એમને શોધવા શી રીતે? ઘણા લોકોને તો પોતાના બ્લડ ગ્રૂપની ખુદને જ ખબર હોતી નથી.’

હવે જનક હસ્યો, ‘તો પછી તમે મને કેવી રીતે શોધી કાઢ્યો?’જવાબમાં પગેરું મળી ગયું. આ ઘટના ૧૯૭૧ની છે. એ સમયે કોલેજોમાં એન.એસ. એસ.ની હવા જામેલી હતી. એન.એસ.એસ. એટલે રાષ્ટ્રીય સેવા યોજના. એના એક ભાગ અંતર્ગત થોડાક સમય પહેલાં જ સેકન્ડ એમ.બી.બી.એસ.માં ભણતા તમામ વિદ્યાર્થીઓના લોહીનું ગ્રૂપ જાણવા માટે પરીક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં એક્સો સત્તાવન વિદ્યાર્થીઓમાંથી એકલા જનકનું બ્લડગ્રૂપ ‘ઓ નેગેટિવ’ નીકળ્યું હતું.

એ દિવસે જ મિત્રોએ એને ચેતવ્યો હતો, ‘જનક, હવે તારે ખૂબ સાચવવું પડશે. તારું બ્લડ ગ્રૂપ જવલ્લે જ જોવા મળે છે. ભવિષ્યમાં જો તને કોઈ અકસ્માત, ઈજા કે બીમારી થાય અને લોહીના બાટલા ચડાવવાની જરૂર ઊભી થાય તો તકલીફ પડી શકે છે. એવું પણ નથી કે ‘ઓ નેગેટિવ’ ગ્રૂપનું લોહી ન જ મળે, પણ એ માટે તારા જેવા જ ગ્રૂપના રક્તદાતાઓનાં નામ-સરનામાં તારે જાણી રાખવા જોઇએ.’આ સાંભળીને જનક ચિંતામાં પડીગયો હતો. ગભરાયો પણ ખરો. હોસ્ટેલમાં રહેતો બહારગામનો વિદ્યાર્થી જામનગર શહેરમાં એને ‘મેચ’ આવતા રક્તદાતાઓની જાણકારી મેળવવા ક્યાં ક્યાં જાય?

પણ એ પહેલાં તો આ અજાણ્યા પુરુષે જ જનકને ખોળી કાઢ્યો. જનકે પૂછ્યું ત્યારે એનું નામ જાણવા મળ્યું. સુરેશ પતિનું નામ. સુહાસી પત્નીનું નામ. પૈસે ટકે સુખી ઘર. મૂળ તો પ્રાઇવેટમાં જ પ્રસૂતિ માટે ગયેલાં; પણ ઓપરેશનની જરૂર ઊભી થઈ એટલે ખાનગી ડોક્ટરે જ બ્લડ ગ્રૂપના કારણે ઇરવિનમાં ધકેલી દીધાં હતાં.ત્યાંની બ્લડ બેન્કમાંથી એન.એસ.એસ.ની યાદીમાંથી જનકનું નામ મળી આવ્યું. મેડિકલ હોસ્ટેલ નંબર સાત. રૂમ નંબર પણ સાત.

જનક એક પણ શબ્દની આનાકાની વગર તૈયાર થઈ ગયો. સુરેશભાઈની સાથે જ નીકળી પડ્યો. બ્લડ બેન્કમાં પહોંચી ગયો. ત્યાં સદ્ભાગ્યે પેથોલોજી વિભાગના ડૉ.જોશીસાહેબ હાજર હતા. એમણે જનકને જોઈને પૂછ્યું, ‘અરે, જનક તું? તારે રક્તદાન માટે આવવું પડ્યું? સરસ વાત છે. માનવતાનું કામ છે, પણ મારી સલાહ છે કે તું બ્લડ ડોનેટ કરે તે પહેલાં પેશન્ટનાં નજીકના સગાંસંબંધીઓનાં બ્લડ ગ્રૂપ તપાસી લઈએ. બીજું તો કંઈ નહીં, પણ ભવિષ્યમાં બીજા કોઈ જરૂરતમંદ દરદીઓને જરૂર પડે તો એમાંથી કોઈને બોલાવી શકાય.’

ડૉ. જોશીની વાત તદ્દન વાજબી હતી. સુહાસીબે’નની આજુબાજુ પંદર-વીસ જણાંનો જમેલો જામેલો હતો. એ તમામને પરીક્ષણ માટે લેબોરેટરીમાં લઈ જવામાં આવ્યા. સ્વાભાવિક પણે જ શરૂઆત સુરેશભાઈથી કરવામાં આવી.સુરેશભાઈનો રિપોર્ટ જોઈને ડૉ. જોશી ઊછળી પડ્યા, ‘ઓહ, નો! વ્હોટ એ પ્લેઝન્ટ કોઇિન્સડેન્સ? હસબન્ડ અને વાઇફ બંનેનાં બ્લડગ્રૂપ એક્સરખાં જ છે. હવે જિંદગીભર એમને બહારના કોઈ રક્તદાતાની ગરજ નહીં પડે. ભવિષ્યની વાત શા માટે કરીએ? આજે અને અત્યારે જ બીજા કોઈની જરૂર નથી. સુરેશભાઈ, અભિનંદન! તમારી પત્નીનો જીવ હવે તમે પોતે જ બચાવી શકશો. આવી જાવ આ ટેબલ ઉપર. તમારું બ્લડ લઈ લઈએ. તમે આ ભલા વિદ્યાર્થીને હવે છુટ્ટો કરો એટલે એ હોસ્ટેલમાં જઈને એનું ભણવાનું પાછું શરૂ કરી શકે.’

ધારણાથી વપિરીત સુરેશભાઈના ચહેરા ઉપર આષાઢી વાદળ જેવી શ્યામલતા છવાઈ ગઈ. લોહી આપવાની વાત એમને જરા પણ પસંદ ન આવી. એ જનકનો હાથ ઝાલીને દૂરના ખૂણામાં ખેંચી ગયા, ‘દોસ્ત, તું આ સાહેબની વાતમાં આવી ન જતો. લોહી તો તારે જ આપવાનું છે. તું કહે તો હું અઢીસો-ત્રણસો રૂપિયા ચૂકવી દેવા તૈયાર છું, પણ...‘હું વેપારી નથી, વિદ્યાર્થી છું. લોહી વેચતો નથી. હું લોહીનું દાન કરીશ. જરૂર કરીશ, પણ પહેલાં એ કહો કે તમને પોતાને શો વાંધો છે?’ જનકે જરા કડક અવાજમાં પૂછ્યું.

‘તમે સમજતા કેમ નથી, યાર? હું જો મારું લોહી મારી પત્નીને આપું, તો પછી અમે લોહીનાં સગાં થઈ જઈએ કે નહીં? પછી તો અમે ભાઈ-બહેન થઈ ગયાં કહેવાઈએ. એના કરતાં તો લોહી ન આપવું એ જ બહેતર ગણાય.’‘તમે મૂર્ખ છો. રક્તદાનથી તમે ‘માણસ’ થયા કહેવાશો, તમારી પત્નીના ભાઈ નહીં. હવે બીજી વાત. ધારો કે હું પણ લોહી આપવાની ના પાડી દઉં અને તમારી પત્ની મૃત્યુ પામે તો તમને પોસાશે?’ જનકે હિંમતભર્યો સવાલ ફેંકયો.

‘કેમ નહીં?’ મારી જ્ઞાતિમાં બીજી પત્ની મળતાં જરાયે વાર નથી લાગતી. મને તો સુહાસીનું બારમું પતે એ પહેલાં જ બીજું બૈરું મળી જાય તેમ છે. મારી કમાણી સારી છેને!’ સુરેશભાઈની ડોક ગર્વથી ઊંચી થઈ ગઈ. જનક સમજી ગયો કે સામે ઊભેલો ‘માણસ’ પતિ નથી, પણ માત્ર પુરુષ છે. અને પુરુષ જ છે, મર્દ નથી. એણે રક્તદાન કરી દીધું. સુહાસી બચી ગઈ.બીજા દિવસે સુહાસીએ ખાસ ઇચ્છા વ્યક્ત કરી, ‘મારે મારો જીવ બચાવનાર ભાઇનાં દર્શન કરવાં છે.’ સુરેશભાઈ જનકને બોલાવી લાવ્યા.

સુહાસીએ કહ્યું, ‘ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર. જોકે તું નજીકમાં હતો એટલે તને તકલીફ આપવી પડી; નહીંતર તારા બનેવી પાતાળમાંથીયે રક્તદાતાને શોધીને હાજર કરી દેત. એમના હાથ બહુ લાંબા છે.’જનકને બોલવું હતું, ‘એના હાથ લાંબા હશે, પણ હૃદય બહુ સાંકડું છે. એ તને જીવનભર ખબર નહીં પડવા દે કે એનું પોતાનું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ છે. એનો રિપોર્ટ જ એ પાતાળમાં ભંડારી દેશે.’ પણ બહેનની આંખોમાં ખુશીની ચમક જોઈને એ ખામોશ રહી ગયો.

(શીર્ષક પંક્તિ: ખલીલ ધનતેજવી)
ડોક્ટરની ડાયરી, ડૉ. શરદ ઠાકર

Friday, 29 June 2012

તારે નામે મને લખું છું...


તારે નામે મને લખું છું...
ઓફબીટ - અંકિત ત્રિવેદી
મને થાય છે ઈમેઈલના સમયમાં પ્રેમપત્ર લખું. એ બહાને તને મારા ભુલાઈ ગયેલા અક્ષરો તો યાદ આવશે ! અક્ષરો વાંચતા વાંચતા મલકતો તારો ચહેરો મારા સ્મીતને વઘુ મોહક બનાવતો જશે ! વર્ષો પછી પત્ર લખવાને કારણે અક્ષરો નવો કક્કો શીખેલી આંગળીઓની જેમ કાગળ ઉપર અવતરે છે. તને ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરવાનું રોજ સુઝે છે. મને એમાં ‘નૈંી’ મોકલવાનું ગમે છે. એ બહાને આપણી દૂરતા નજીકને શોધવાનો પ્રયત્ન કરે છે. હૂફ આનું જ નામ હશે કદાચ ! આ પત્રમાં તને પહેલીવાર મળ્યા પછીનો થનગનાટ મોકલું છું. મનમાં ચાલતો રઘવાટ મોકલું છું. તને ભગવાનની જગ્યાએ મૂકીને શ્રદ્ધાને ‘અપડેટ’ કરવાનું મન થાય છે ! જેને, તારા વગર સૂરજ ઊગે છે પણ દિવસમાં ચાર્મ નથી હોતો !, રાતો ઊગે છે પણ ચાંદો મારી જોડે વાતો કરવાનું ટાળે છે. મને ફરીથી કોલેજના દિવસોમાં તું લઈ જાય તો હું તૈયાર છું ! ઝાડ ઉપર કોતરેલું તારું નામ ઝાંખુ થયું છે કે એ જ જગ્યાએ નવી કૂંપળ ફૂટી છે એ જોવા માંગુ છું. મને ઈમેલમાં પત્ર મોકલવો ગમશે પણ એમાં ઁઘખ માં મારા અક્ષરોની સાથે સાથે ભુતકાળ મોકલું છું. ઁઘખ ફાઈલ ન ખૂલે તો ગળે બાઝેલા ડૂમાને પાણીથી ઓગળીને ફરીથી ક્લિક કરજે... કદાચ ફેર પડશે !
પ્રેમ થયો છે ત્યારથી આજ સુધી હું મઝામાં છું. કોઈ ફરિયાદ નથી. કોઈ સંવાદ નથી. મૌનની મસ્તીનો મિજાજ છે. હું રમમાણ છું મારામાં... પતંગિયાઓ તારું નામ લઈને ઊડતા હતા ત્યારે ઢોળાઈ ગયેલા રંગોએ નવાં ફૂલો ઊગાડ્યા છે ધરતી પર ! બગીચો બનતા વાર નથી લાગતી એને ઊઘડવા માટે આપણા બંનેના નામની જરૂર પડે છે ! ડોરબેલ વાગ્યો ન હોય અને હું બારણું ખોલું તો તું ફૂલોનો બુકે લઈને સામે ઊભી હોય એવું બને ! હું તો અહીંયા ખોવાયો છું મારામાં અને શોઘુ છું તારી આસપાસ મને ! મારો આ પત્ર તને કવિતા વેડા લાગે એવું સંભવી શકે છે પણ હકીકતમાં એ મારા જીવનમાં ઊજવાનો તારા નામનો ઉત્સવ છે ! જેને તારા વગર નથી રહેવાતું એવું કહું છું અને જીવાઈ જાય છે ! મને તારું સરનામું મળે તો પણ આ કાગળ તારા સુધી નથી પહોંચાડવો, માત્ર ધરતીમાં ધરબી દેવો છે. ઘરના બગીચામાં ઘણા છોડ એ જ રીતે ઊગ્યા છે. એમાં આવતી સુગંધ આપણા સંબંધની ગુફતગુ પતંગિયા અને ચકલીઓ સાથે કરે છે. તું વરસાદ લઈને આવે છે અને મને વરસાદમાં ઊગવાનું ફાવે છે. તું મારી વાતને અવગણે છે. હું તારા મૌનને ગણકારું છું. એન્ટરની સ્વીચ દબાવીને શરૂ થતાં નવી લીટીના વાક્યની જેમ મારા અંતરમાં પૂર્ણવિરામ વગરની એક તારા નામની રટણા ચાલે છે. એમાં રમમાણ મારું ‘હોવું’ સસલા અને કાચબાની જેમ એકબીજાથી છેટું રાખીને રેસમાં રમે છે. જીતવાની રમત હારવાની બાજીથી શરૂ થાય છે. અને ક્યારેક જીતવાના સમયે એને હાથમાંથી છોડી દેવી પડે છે.
તને કાગળ લખવાનો એક માત્ર એજ ઈરાદો કે આજકાલ તું બહુ દૂર રહે છે. નજીક હોવા છતાં તને મળવાનું બનતું નથી ! દુનિયા અને સપના વચ્ચે તારો વિકાસ મારા સહવાસને રૂંઘી રહ્યો છે. તું મળે તો વરસાદને મઝા પડે ! ભીનો પવન ઉકેલતા મને આવડે છે. એનો સ્પર્શ તારા ગાલોની લાલીને વઘુ ચમકદાર કરશે. આ બઘું તારાથી શક્ય છે. તું જીવવાનું જોમ છે. મારું રોમેરોમ છે. પ્રેમની સરનેમ છે તારું નામ... એટલે જ બધા તને પ્રેમ કરે છે. ઉંમર કરતાં ઘણીવાર નાની ઉંમરના થઈને પોતાને જોવાની મઝા આવે છે. તને ખબર છે પંખીઓનો કલરવ સાંભળવાથી કોલેસ્ટોરોલ ઓછું થઈ જાય ! પણ શું કરું તારો ફોન લગાડું છું અને તું વ્યસ્ત હોય છે. તને ખબર છે ચાલવાથી સ્વાસ્થ સારું રહે છે. તું તો રોજ ચાલવા જાય છે. મને ભૂલી જાય છે અને સપનું અઘવચ્ચેથી જ આંખોને જગાડી દે છે ! મને બધી જ ખબર છે એવા ભ્રમમાં હું તો નથી જ. હું તો મને બધી જ ખબર નથી એવા ભ્રમમાં તારી સાથે છું.
આ પત્ર એટલે જ મેં તને લખ્યો છે. તને એટલે કે તારામાં રહેલા મને લખ્યો છે. એને મળવા માટે હું તલપાપડ છું. એ જ રીતે આ પત્ર લખતાં મારામાં સાંભળી જતી ‘તું’ તને એ બહાને તો મળવાનું મન કરે ! ‘તું’ અને ‘હું’ જુદા નથી. એક જ છીએ. હું મને મળવાના પ્રયત્નોમાં મને જ લખું છું. એટલે કે તને જ લખું છું...
સૂફી કવિ રૂમીએ એક કવિતાની પંક્તિઓમાં લખ્યું છે કે પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો... અંદરથી કોઈક બોલ્યું ઃ ‘કોણ છે ?’ જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું ઃ ‘હું છું !’ પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ ! અને દરવાજો બંધ જ રહ્યો ! પ્રેમી જંગલમાં ફરવા નીકળી ગયો. ત્યાં એણે તપ કર્યું, ઉપવાસ કર્યો, પ્રાર્થનાઓ કરી, ઘણાં વર્ષો પછી એ પ્રિયતમાના પ્રશ્ન પૂછ્‌યો ઃ ‘કોણ છે બહાર ?’ આ વખતે એણે દરવાજા ખોલી નાંખ્યા કારણ કે પ્રેમીનો ઉત્તર હતો ઃ ‘તું જ છે !’
આ પત્ર પણ પેલા પ્રેમી જેવો ભુલો પડીને તપ કરીને આપ્યો છે. જ્યાં હું મને ખોઈને મારી જાતને લખવા માંગું છું. ખોવાયા વગર જડી જવાની પણ એક મઝા હોય છે ! અને એક મઝા હોય છે પત્રને અઘુરો રાખવાની...
ઓન ધ બીટસ્‌
બે કે ચાર કરોડના પ્રશ્નો નથી હોતા
ઝાકળને બાંધ છોડના પ્રશ્નો નથી હોતા
આકાશ કાગળ હો ને ટહુકાની હો લિપિ-,
ત્યાં કદી મરોડના પ્રશ્નો નથી હોતા !
- સંદીપ ભાટીયા
અંકિત ત્રિવેદી

Wednesday, 27 June 2012

કોઈ આપણને પ્રેમ શું કામ કરે?


કોઈ આપણને પ્રેમ શું કામ કરે?
અંકિત ત્રિવેદી
આપણે એવું ઈચ્છીએ છીએ ખરા કે મને બધા જ પ્રેમ કરે. બધા જ મારું માને! બધાના કેન્દ્રબંિદુમાં હું હોવો જ જોઇએ! પણ પ્રશ્ન એ થાય છે કે બધામાં આપણે શું કામ હોવા જોઇએ? કોઇ આપણને પ્રેમ કરે એવું શું છે આપણામાં? આપણે બીજામાં આપણી અપેક્ષાઓ શું કામ ઉમેરવી જોઇએ? આપણે કોઇકને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણી જાતને ઓગાળી શકીએ છીએ? બધા જ આપણને પ્રેમ કરે એના માટે શું કરવું જોઇએ? પ્રશ્નો પૂછવાથી વાતનું વજન જરૂર પડે છે પણ વાત ત્યાંની ત્યાં જ રહે છે. આપણામાં બીજાને પ્રેમ કરવાનું ગજું નથી તો પછી કોઇ આપણને પ્રેમ કરે એટલો પરગજુ થવા માટે પોતાની રીતે મહેનત કરતો હોય એવું બની ન શકે? આપણે આપણને પણ ધિક્કારતા ફરીએ છીએ. આપણે આપણો પણ સ્વીકાર કરી નથી શકતા. આપણે આપણી નફરતના પ્રેમમાં છીએ. જીંદગીને પાટા અને ટ્રેનના ઘર્ષણમાં એવી મૂકી છે કે આપણું રીઝર્વેશન સીટબર્થ વગર ઝોલા ખાય છે.
લોકો આપણા પ્રેમમાં પડે એના માટે તમારે મહેનત કરવાની જરૂર નથી. તમે તમારા પ્રેમમાં પડવાની શરૂઆત કરશો અને આપોઆપ એક વાયરો તમારા અસ્તિત્વને સુગંધ પહોંચાડવાનું કામ કરશે. બીજો આપણા પ્રેમમાં ત્યારે જ પડી શકે છે જ્યારે આપણા પ્રેમને સમજતા હોઇએ. આ ‘અહમ્‌’ નથી. ‘અહમ્‌’ પ્રેમમાં પડતા શીખવી ન શકે. એ તો પ્રેમને પગથીયું સમજીને આગળ વધવાની હોડમાં આતુર હોય છે. બીજો આપણને શું સમજે છે એની ખબર આપણને એના કરતા વહેલી પડતી હોય છે. એટલે તો આપણે આપણી વિશેષતાઓની જાહેરાતને વિસ્મયનું નામ આપીએ છીએ. સામેવાળો આપણા પ્રેમમાં નથી પડતો કારણકે એ પણ એના પ્રેમમાં નથી હોતો! એ પણ એના સ્વભાવને આપણી જેમ ઓળખે છે એટલે પોતાનાથી છુપાવવાની કોશિષ કરે છે. પ્રેમમાં પડવાનું સહેલું છે પણ સમજીને પડવાનું સૌથી સહેલું છે જે દુનિયાને અઘરું લાગે છે.
સામેવાળી વ્યક્તિ કે બીજાઓ કે પછી એવા લોકો- મિત્રો જે આપણા પ્રેમમાં હોવા જોઇએ એવું ઈચ્છીએ છીએ ત્યારે આપણને અંદરથી એમ હોય છે કે એ બધા જ આપણા વશમાં હોય! આને કારણે બંને બાજુથી જીંદગી અનુમાન અને અંદાજ ઉપર નભવા લાગે છે. આપણા પ્રેમમાં કોઇ હોય ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. આપણે એના પ્રેમનો ભરોસો ન તૂટે એની કાળજી રાખવાની હોય છે. ‘પ્રેમ’ શબ્દને સાવ લપટો પાડીને નાના બાળકની સાથે રમત રમતા હોઇએ અને જીતી જઇને આપણી આવડતને વખાણવામાં સમય વેડફતા હોઇએ એવું લાગે છે! બરોબરીની રમત ભુલી ગયા છીએ અને પ્રેમ તો રમતની બહાર ઊભો રહીને આપણી રાહ જોતો હોય છે. આપણે દરેક વાતમાં હોવા જોઇએ એવું ઈચ્છીએ છીએ ત્યારે સામેવાળાના દોષો આપણને સૌથી વધારે દેખાય છે. આપણા દોષો આપણે માટે ગુણકારી હોય એવું લાગે છે! જીંદગી બેચેનીઓ સામે મુંગ મરીને ગુંગળાઇ જવાની મોસમ નથી! એ તો પોતાને પ્રેમ કરીને પ્રેમને ઓળંગીને ખુદને મળવાનો અવસર છે.
અસંતોષ ત્યારે જ સર્જાય છે જ્યારે આપણી નિસ્બતમાં ખોટ સાથે બીજાને અનુકૂળ થયાનો વસવસો હોય છે. બધા આપણને પ્રેમ કરે એવું આપણામાં છે ખરું કશું પણ? આ તો જેટલાય આપણને પ્રેમ કરે છે એ લટક સલામનો સંબંધ છે. એને તમે નડો નહીં માટે થતી ભયની પ્રિત છે. પ્રેમની સાચી રીત નથી! આપણી પાછળ ખરાબ બોલાતું હોય એ પણ આપણે સાંભળી શકતા નથી (આવી વાતો બીજાઓ આપણને કહેતા હોય છે. અને આવા લોકો એ જ વખતે થયેલી આપણી સારી વાતો કેમ કહી શકતા નહીં હોય? એવું કરતા હોત તો સામેવાળો પ્રેમ કરવામાં આપણી જાતને ન ગણે પણ આદર તો કરવા પ્રેરાય જ ને!) આપણી સારી વાતો પણ આપણી પાછળ થાય છે તે સાંભળી શકતા નથી! તો પછી આપણે આપણને દુઃખી શા માટે કરીએ છીએ? પ્રેમ હશે તો પાછળ બોલવામાં સમય વિતાવે એવો નથી. એ તો ‘રાધે તારા ડુંગરીયા પર બોલે ઝીણા મોર’ - એમ કહીને ગાતો - પોતાની મસ્તીમાં મદમાતો રહેવાનો છે. આપણે બીજાને પ્રેમ કરતા શિખવાડવામાં આપણને ભુલી જતાં હોઇએ છીએ. બીજો- સામેવાળો આપણા પ્રેમમાં પડે એવું ઈચ્છીએ જરૂર પણ સૌથી વધારે તો આપણે આપણામાં હોઇએ એ વધારે અગત્યનું છે. બધાને પ્રેમ કરવામાં ક્યારેક પોતાને બાજુ પર મૂકવા પડે છે. જાતથી નારાજ થઇને જગતને જીતવાનું આનંદ આપે ખરું? સ્પર્ધામાં છે એનો સવાલ જ નથી. પ્રેમની સરળતામાં છે એનો કમાલ પાછળથી ખબર પડે છે. આપણામાં એવો પ્રેમ ઉગાડીએ જેમાંથી જેને છાંયડો જોઇએ એ વિસામો ખાવા આવે, ફૂલો- ફળો માટે ઊપયોગાય, કઠિયારો લાકડા માટે પણ આવે. વહેંચાઇને એક રહેવું - એ પ્રેમની ઈબાદત છે.
ઓન ધ બીટ્‌સ
‘‘હતાં કઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને-,
જુએ કોઈ તો સમજે જાય છે વરસાદ પહેરીને’’
- મરીઝ