આપણે એવું ઈચ્છીએ છીએ ખરા કે મને બધા જ પ્રેમ કરે. બધા જ મારું માને! બધાના કેન્દ્રબંિદુમાં હું હોવો જ જોઇએ! પણ પ્રશ્ન એ થાય છે કે બધામાં આપણે શું કામ હોવા જોઇએ? કોઇ આપણને પ્રેમ કરે એવું શું છે આપણામાં? આપણે બીજામાં આપણી અપેક્ષાઓ શું કામ ઉમેરવી જોઇએ? આપણે કોઇકને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણી જાતને ઓગાળી શકીએ છીએ? બધા જ આપણને પ્રેમ કરે એના માટે શું કરવું જોઇએ? પ્રશ્નો પૂછવાથી વાતનું વજન જરૂર પડે છે પણ વાત ત્યાંની ત્યાં જ રહે છે. આપણામાં બીજાને પ્રેમ કરવાનું ગજું નથી તો પછી કોઇ આપણને પ્રેમ કરે એટલો પરગજુ થવા માટે પોતાની રીતે મહેનત કરતો હોય એવું બની ન શકે? આપણે આપણને પણ ધિક્કારતા ફરીએ છીએ. આપણે આપણો પણ સ્વીકાર કરી નથી શકતા. આપણે આપણી નફરતના પ્રેમમાં છીએ. જીંદગીને પાટા અને ટ્રેનના ઘર્ષણમાં એવી મૂકી છે કે આપણું રીઝર્વેશન સીટબર્થ વગર ઝોલા ખાય છે.
લોકો આપણા પ્રેમમાં પડે એના માટે તમારે મહેનત કરવાની જરૂર નથી. તમે તમારા પ્રેમમાં પડવાની શરૂઆત કરશો અને આપોઆપ એક વાયરો તમારા અસ્તિત્વને સુગંધ પહોંચાડવાનું કામ કરશે. બીજો આપણા પ્રેમમાં ત્યારે જ પડી શકે છે જ્યારે આપણા પ્રેમને સમજતા હોઇએ. આ ‘અહમ્’ નથી. ‘અહમ્’ પ્રેમમાં પડતા શીખવી ન શકે. એ તો પ્રેમને પગથીયું સમજીને આગળ વધવાની હોડમાં આતુર હોય છે. બીજો આપણને શું સમજે છે એની ખબર આપણને એના કરતા વહેલી પડતી હોય છે. એટલે તો આપણે આપણી વિશેષતાઓની જાહેરાતને વિસ્મયનું નામ આપીએ છીએ. સામેવાળો આપણા પ્રેમમાં નથી પડતો કારણકે એ પણ એના પ્રેમમાં નથી હોતો! એ પણ એના સ્વભાવને આપણી જેમ ઓળખે છે એટલે પોતાનાથી છુપાવવાની કોશિષ કરે છે. પ્રેમમાં પડવાનું સહેલું છે પણ સમજીને પડવાનું સૌથી સહેલું છે જે દુનિયાને અઘરું લાગે છે.
સામેવાળી વ્યક્તિ કે બીજાઓ કે પછી એવા લોકો- મિત્રો જે આપણા પ્રેમમાં હોવા જોઇએ એવું ઈચ્છીએ છીએ ત્યારે આપણને અંદરથી એમ હોય છે કે એ બધા જ આપણા વશમાં હોય! આને કારણે બંને બાજુથી જીંદગી અનુમાન અને અંદાજ ઉપર નભવા લાગે છે. આપણા પ્રેમમાં કોઇ હોય ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. આપણે એના પ્રેમનો ભરોસો ન તૂટે એની કાળજી રાખવાની હોય છે. ‘પ્રેમ’ શબ્દને સાવ લપટો પાડીને નાના બાળકની સાથે રમત રમતા હોઇએ અને જીતી જઇને આપણી આવડતને વખાણવામાં સમય વેડફતા હોઇએ એવું લાગે છે! બરોબરીની રમત ભુલી ગયા છીએ અને પ્રેમ તો રમતની બહાર ઊભો રહીને આપણી રાહ જોતો હોય છે. આપણે દરેક વાતમાં હોવા જોઇએ એવું ઈચ્છીએ છીએ ત્યારે સામેવાળાના દોષો આપણને સૌથી વધારે દેખાય છે. આપણા દોષો આપણે માટે ગુણકારી હોય એવું લાગે છે! જીંદગી બેચેનીઓ સામે મુંગ મરીને ગુંગળાઇ જવાની મોસમ નથી! એ તો પોતાને પ્રેમ કરીને પ્રેમને ઓળંગીને ખુદને મળવાનો અવસર છે.
અસંતોષ ત્યારે જ સર્જાય છે જ્યારે આપણી નિસ્બતમાં ખોટ સાથે બીજાને અનુકૂળ થયાનો વસવસો હોય છે. બધા આપણને પ્રેમ કરે એવું આપણામાં છે ખરું કશું પણ? આ તો જેટલાય આપણને પ્રેમ કરે છે એ લટક સલામનો સંબંધ છે. એને તમે નડો નહીં માટે થતી ભયની પ્રિત છે. પ્રેમની સાચી રીત નથી! આપણી પાછળ ખરાબ બોલાતું હોય એ પણ આપણે સાંભળી શકતા નથી (આવી વાતો બીજાઓ આપણને કહેતા હોય છે. અને આવા લોકો એ જ વખતે થયેલી આપણી સારી વાતો કેમ કહી શકતા નહીં હોય? એવું કરતા હોત તો સામેવાળો પ્રેમ કરવામાં આપણી જાતને ન ગણે પણ આદર તો કરવા પ્રેરાય જ ને!) આપણી સારી વાતો પણ આપણી પાછળ થાય છે તે સાંભળી શકતા નથી! તો પછી આપણે આપણને દુઃખી શા માટે કરીએ છીએ? પ્રેમ હશે તો પાછળ બોલવામાં સમય વિતાવે એવો નથી. એ તો ‘રાધે તારા ડુંગરીયા પર બોલે ઝીણા મોર’ - એમ કહીને ગાતો - પોતાની મસ્તીમાં મદમાતો રહેવાનો છે. આપણે બીજાને પ્રેમ કરતા શિખવાડવામાં આપણને ભુલી જતાં હોઇએ છીએ. બીજો- સામેવાળો આપણા પ્રેમમાં પડે એવું ઈચ્છીએ જરૂર પણ સૌથી વધારે તો આપણે આપણામાં હોઇએ એ વધારે અગત્યનું છે. બધાને પ્રેમ કરવામાં ક્યારેક પોતાને બાજુ પર મૂકવા પડે છે. જાતથી નારાજ થઇને જગતને જીતવાનું આનંદ આપે ખરું? સ્પર્ધામાં છે એનો સવાલ જ નથી. પ્રેમની સરળતામાં છે એનો કમાલ પાછળથી ખબર પડે છે. આપણામાં એવો પ્રેમ ઉગાડીએ જેમાંથી જેને છાંયડો જોઇએ એ વિસામો ખાવા આવે, ફૂલો- ફળો માટે ઊપયોગાય, કઠિયારો લાકડા માટે પણ આવે. વહેંચાઇને એક રહેવું - એ પ્રેમની ઈબાદત છે.
ઓન ધ બીટ્સ
‘‘હતાં કઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને-,
જુએ કોઈ તો સમજે જાય છે વરસાદ પહેરીને’’
- મરીઝ |
No comments:
Post a Comment